બારડોલી સુગરમાં નિર્માણાધિન નવા બોઇલર વિભાગમાં 25 ફૂટની ઊંચાઈએ વેલ્ડીંગ કામ કરતા કારીગરનું જમીન પર પટકાતા મોત નીપજ્યું હતું.
ગતરોજ ગુરુવારે બારડોલી સુગર ફેકટરીમાં આવેલા નવા બોઇલર વિભાગમાં વિજય લાલચંદ ( ઉ.વ.21 ) રહે. સાઈ આનંદ કોમ્પ્લેક્ષ, બાબેન, મૂળ રહે.સાંગલી, મહારાષ્ટ્ર 25 ફૂટની ઊંચાઈએ એલિવેટર પ્લેટફોર્મ ઉપર વેલ્ડીંગ કામગીરી કરતો હતો. વરસાદ આવતા તે વરસાદથી બચવા બાજુમાં જાળી ઉપર સરક્યો હતો. આ સમયે તેનો પગ અચાનક લપસી જતા તે ઊંચાઈએથી જમીન ઉપર પટકાયો હતો. તેને મોઢા, માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. બારડોલી પોલીસને જાણ કરાતા પોલીસે ઘટતી કાર્યવાહી કરી હતી.