બારડોલી તાલુકાના એક ગામમાં રહેતી યુવતીએ તેના પ્રેમીને ચોક્કસ કારણોસર લગ્ન કરવાનીના પાડતા પ્રેમી યુવકે અવારનવાર યુવતીને ફોન અને મેસેજ કરી હેરાનગતિ કરી હતી. પ્રેમ સંબંધ દરમિયાનના અંગત ફોટાઓ યુવતીના પરિવારજનોને વાયરલ કરતા યુંવતીએ ના છૂટકે 181 અભયમ મહિલા સુરક્ષા ટીમને ફરિયાદ કરતા અભયમ ટીમે પ્રેમી યુવકને બોધપાઠ ભણાવી સુખદ સમાધાન કરાવ્યું હતું.
બારડોલી તાલુકાના કડોદ પટ્ટી ઉપર આવેલા એક ગામમાં રહેતી યુવતીને એક યુવક સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. પ્રેમી યુવકનો સ્વભાવ અત્યંત ગુસ્સાવાળો હોય છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા આવ્યા હતા. અનેક સમજાવટ છતાં પ્રેમીનો સ્વભાવ ન સુધરતા યુવતીએ પ્રેમ સંબંધ કાપી નાખ્યો હતો. આમ છતા યુવક અન્યના મોબાઈલ ઉપરથી યુંવતી ને ફોન કરી હેરાનગતિ પહોંચાડતો હતો. ગમે તે રીતે યુવતી ને વશ કરવાના પ્રયત્નો દરમિયાન પ્રેમી યુવકે યુવતીના પરિવારજનો ઉપર બંનેના અંગત પળોના ફોટા વાયરલ કર્યા હતા. યુવતીના પરિવારજનો એ પણ લગ્ન સંબંધ માટે ના પાડી હતી. આમ છતાં હેરાનગતી પહોંચાડતા યુવક વિરુદ્ધ યુવતીએ 181 અભયમ ટીમની મદદ માગતા બારડોલી અભયમ ટીમ દ્વારા યુવકને બોલાવી જબરજસ્તી પૂર્વક સંબંધ રાખી ન શકાય અને તેના ગુસ્સાવાળા સ્વભાવના કારણે યુવતી તેનાથી દૂર થઈ અને તેના પરિવારજનો પણ લગ્ન માટે રાજી નથી તો ધીરજ રાખી તેમને મનાવવાના પ્રયત્ન કરવા જણાવ્યું હતું. ગુસ્સામાં અંગત પળો ના ફોટા શેર કરવાની બાબત ગુનો બને છે. અને સજાને પાત્ર હોવાનું જણાવી કડક શબ્દોમાં બોધપાઠ આપતા યુવકને પણ ભૂલ સમજાતા તેણે ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાનું લખાણ કર્યું હતું. યુવકે બાહેધરી આપતા યુવતી અને તેના પરિવારજનો એ પણ ફરિયાદ પાછી ખેંચતા એક ગંભીર ફરિયાદનું સમાધાન થયું હતું.