મહુવા તાલુકાના બુટવાડા ગામે રહેતા 28 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર વાસફુઈ ગામની સીમમાં આવેલી આંબાવાડીમાં ઝાડ ઉપર દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકાના બુટવાડા ગામે ભેકલા ફળિયામાં રહેતો અને તરસાડી મુકામે મિલમાં નોકરી કરતા 28 વર્ષીય યુવક આનંદ ગણેશ પટેલ અગમ્ય સંજોગોમાં પોતાના ઘરેથી ગુમ થયો હતો. તેની શોધખોળ બાબતે સોશિયલ મીડિયામાં અનેક મેસેજો વાયરલ થયા હતા. ગુમ થયેલા યુવાનની તેના મિત્રો પરિવારજનો દ્વારા શોધખોળ કરાઈ હતી. પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. આ દરમિયાન 14 જુલાઈની સાંજે વાસફુઈ ગામની સીમમાં આવેલ રમણભાઈ પટેલ નામના ખેડૂતની આંબાવાડીમાં આંબાના ઝાડની ડાળી સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધેલ હાલતમાં તેની લાશ મળી આવી હતી. ભારે ચકચાર વચ્ચે પોલીસને જાણ કરાતા પોલીસે લાશનો કબ્જો લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુના કારણ અંગે પૂછપરછ દરમિયાન પરિવારજનો દ્વારા કોઈપણ વિગત મળી શકી નહોતી. ચર્ચાતી વાતો પ્રમાણે મરનાર યુવકે પ્રેમસંબંધમાં નિષ્ફળતાના કારણે મોતને વ્હાલું કર્યાનું જણાઈ રહ્યું છે.