પાવર ગ્રીડ કંપની દ્વારા જે વીજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં ખેડૂતો આજે આક્રમક બન્યા હતા. અને સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કણાવ ગામ નજીક હાઇવે ઉપર ચક્કાજામ કર્યો હતો. હાઇવે સતત 20 મિનિટ સુધી ચક્કકજામ કરવામાં આવતા પલસાણા સહિત જિલ્લાનું પોલીસતંત્ર દોડતું થયું હતું. પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
પાવર ગ્રીડ કંપની દ્વારા હાલ વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ વીજ લાઇન કચ્છના ખાવડા થી લઈ જે નવસારી વાસી બોરસી સુધી જનાર છે. આ લાઇન સુરત જિલ્લાના પણ કેટલાક ગામોમાંથી પસાર થાય છે. જેનો સુરત જિલ્લાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આજે આજ મુદ્દાને લઇને સુરત જિલ્લા ના પલસાણા તાલુકાના કણાવ ગામે હાઈવે પર ખેડૂતો આક્રમક બન્યા હતા. અને પાવર ગ્રીડની કામગીરી અટકાવી હાઈવે ચક્કાજામ કર્યો હતો. ખેડૂતો સાથે મહિલાઓ પણ રસ્તા ઉપર બેસી જઈ રામધૂન બોલાવી હતી. ખેડૂતો રસ્તા પર બેસી જતા પોલીસ અને તાલુકાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું.
ખેડૂતો ના જણાવ્યા મુજબ ગત રોજ પણ આજ કણાવ ગામે ખેડૂતોની વહીવટી તંત્ર સાથે બેઠક મળી હતી. જેમાં બે દિવસમાં યોગ્ય ઉકેલ સાથે નિર્ણય લેવાનું નક્કી થયું હતું.જોકે તેમ છતાં પણ પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા મનમાની કરી આજે ફરી સર્વે કરવા ખેડૂતોના ખેતરમાં જતા મામલો ગરમાયો હતો. આજે પણ ખેડૂતો દ્વારા કામગીરી અટકાવતા સ્થાનિક મામલતદાર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પોહચ્યા હતા. પરંતુ પાવર ગ્રીડના ખોળામાં બેસેલ તંત્ર પણ ખેડૂતો સાથે યોગ્ય વાટાઘાટો કરવાને બદલે પોલીસ સાથે ફરી સર્વે કામગીરી શરૂ કરાવી હતી. જેથી એક સમય એ ખેડૂતો અને પોલીસ પણ સામ સામે આવી ગયા હતા.જોકે પોલીસ એ સૈયમતા થી મામલો થાળે પાડી સર્વે કામગીરી શરૂ કરાવી હતી.