મહુવા તાલુકાના બુટવાડા ગામે ઢોડિયાવાડ ફળિયામાં રાત્રી દરમિયાન રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં બિન્દાસ્ત ફરતો દીપડો નજરે પડતા ચકચાર મચી જવા પામી હતી.ઘટના અંગે ફળિયાના રહીશોને જાણ થતા તેઓ ભયભીત બની ગયા હતા.દીપડો સ્થાનિક રહીશો અ ને પશુઓને નુકશાન પહોંચાડે તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા પાંજરું ગોઠવી કદાવર દીપડાને ઝબ્બે કરવામાં આવે એવી માંગ સ્થાનિકો સેવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના કાંકરિયા ગામે પાઈપ પર આરામ ફરમાવતા દીપડાનો વીડિયો વાયરલ થયા બાદ મહુવા તાલુકાના બુટવાડા ગામે આવેલ ઢોડિયાવાડ ફળિયામાં શિકારની શોધમાં રાત્રી દરમિયાન બિન્દાસ્ત ફરતા દીપડાનો વીડિયો વાયરલ થયો છે.કદાવર દીપડાની રોડની બાજુમાં લગાવેલ છલાંગ જોઈ સ્થાનિક રહીશો ભયભીત થઈ ગયા છે.મંગળવારે રાત્રીના 10 વાગ્યાના અરસામાં શિકારની શોધમાં ફળિયામાં આવી ચઢેલ દીપડા અંગે માહિતી મળતા જ સ્થાનિકો ભયભીત બની ગયા હતા. અને ઘરની બહાર બાંધેલ પાલતુ પશુઓ ઘરમાં બાંધી દીધા હતા.ત્યારે આ કદાવર દીપડો રહેણાંક વિસ્તારમાં ઘુસી સ્થાનિક રહીશો અને તેમના પાલતુ પશુઓને નુકશાન પહોંચાડે તે પહેલાં જવાબદાર તંત્ર ઘટનાની ગંભીરતા સમજી બુટવાડા ઢોડિયા વાડ ફળિયામાં પાંજરું ગોઠવી દીપડાને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરે એવી માંગ સ્થાનિકો સેવી રહ્યા છે.