સુરત જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ યથાવત રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારો પાણીથી પ્રભાવિત થયા છે. જિલ્લાના બારડોલી, મહુવા, માંડવી, કામરેજ, પલસાણા અને કડોદરામાં પણ ભારે વરસાદને પગલે ગામડાના અનેક આતરિયાળ માર્ગો કે જેઓ ખાડી અને પુલ સાથે જોડાયેલા છે એ માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે અન્ય વૈકલ્પિક રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા છે.
સુરત જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે જિલ્લાના તમામ તાલુકાઓ પૈકી કામરેજ, પલસાણા અને બારડોલી સૌથી વધુ પ્રભાવિત થયા હતા. બારડોલી તાલુકામાં પણ ધોધમાર વરસાદને કારણે ખાડી કોતર છલકાઈ ગયા હતા.જેથી તાલુકાની નદીઓ અને ખાડીઓ પર આવેલા નીચા પુલ પાણીમાં ગરક થયા હતા.
અમુક જગ્યાએ પાણી રસ્તા પર ફરી વળતા બારડોલી વહીવટી તંત્ર દ્વારા ગામોના રસ્તા બંધ થયાં હતાં. અને વૈકલ્પિક માર્ગો યથાવત રાખ્યા હતા. ધોધમાર વરસાદને પગલે બારડોલી પંથકમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.આશપુરી માતાજીના મંદિર નજીક સામરીયા મોરા વિસ્તારમાં, બારડોલી કડોદ સ્ટેટ હાઇવે ઉપર સોસાયટીઓમાં, શિવ શક્તિ સોસાયટીમાં તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં ઘુટણસમાં પાણી ભરાયા હતા. બારડોલીના રાયમ નજીક સ્ટેટ હાઇવે ઉપર પાણી ફરી વળતા વાહન વહેવાર પર માઠી અસર જોવા મળી હતી.અલંકાર ચાર રસ્તા નજીક આવેલ અંદરપાસમાં પાણી ભરાતા પોલીસતંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે અંદરપાસના બન્ને તરફના ભાગે બેરીકેટ મૂકી દેવામાં આવ્યા છે. પલસાણા તાલુકાના બલેશ્વર ગામેથી પસાર થતી ખાડીમાં પુરના દ્રશ્યો સર્જાયા હતા.બલેશ્વરથી બગુમરા તુંડી રોડ તેમજ બગુમરા રોડને જોડતો પુલ પાણીમાં ગરકાઉ થતા વાહન વહેવાર તકેદારીના ભાગરૂપે બંધ કરાયો હતો. કામરેજ અને માંડવીમાં પણ ચારેય તરફ પાણી જ પાણી જોવા મળ્યુ હતું. કીમ – માંડવી રાજ્ય ધોરી માર્ગ ઉપર પણ પાણી ફરી વળતા નાના વાહનો માટે વાહન વહેવાર બંધ કરાયો હતો.
બારડોલીના રાજીવ નગરમાં 50થી વધુ ઘરોમાં કમરડૂબ પાણી
બારડોલીમાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે સુરતી જકાતનાકા નજીક આવેલ રાજીવ નગરમાં 50થી વધુ ઘરોમાં કમરડૂબ પાણી ફરી વળ્યાં હતા. નજીકથી પસાર થતી ખાડીમાં જળસ્તર વધતા અચાનક લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. અને સામાન્ય ગરીબ પરિવારની ઘરવખરી પાણીમાં ડૂબી જતાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જોકે સ્થાનિક અન્ય રહીશો અસર ગ્રસ્ત પરિવારની પડખે ઉભું રહ્યુ હતુ. અને જ્યાં સુધી તેઓના ઘરમાંથી પાણી ન ઓસરી જાય ત્યાં સુધી પોતાના ઘરોમાં આશરો આપ્યો હતો.
પલસાણામાં ક્યા માર્ગો બંધ
1. બગુમરા – બલેશ્વર રોડ
2. બગુમરા – તુંડી રોડ
3. ઓલ્ડ બી.એમ રોડ પાસિંગ ટુ બલેશ્વર – પલસાણા રોડ
4. મલેકપોર – સિસોદરા રોડ
5. તુંડી – દસ્તાન રોડ
બારડોલીમાં ક્યાં માર્ગો બંધ
1. ખરવાસા – મોવાછી જોઇનિંગ સામપુરા રોડ
2. વડોલી – બાબલા રોડ
3. ખોજ – પારડી – વાઘેચા જોઇનિંગ રોડ
4. સુરાલી – કોટમુંડાથી બેલધા રોડ
5. સુરાલી – ધારીયા ઓવારા રોડ
6. વડોલી – અંચેલી રોડ
7. સુરાલી સવીન જકાભાઈના ઘરથી ધારીયા કોઝવે રોડ
8. ખોજ – પારડીથી વાઘેચા રોડ
9. ટીમ્બરવા – કરચકા રોડ
10. રામપુરા એપ્રોચ રોડ