પલસાણા ચલથાણ ખાતે રહેતા 52 વર્ષીય પુરુષ નોકરીએથી સાયકલ લઈ પરત ઘરે ફરી રહ્યા હતા. દરમિયાન રસ્તામાં આવતા ખાડીના ગરનાળા ઉપરથી પસાર થતા સમયે રસ્તો ખ્યાલ ન આવતા તેઓ પાણીના વહેણમાં તણાયા હતા. અને ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
પલસાણા તાલુકાના ચલથાણ વિજય નગર સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના સંજય બાબુરાઉ પવાર ઉ.વ.52નાઓ નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગતરોજ રાત્રીના સમયે સંજય પવાર નોકરીએથી સાયકલ ઉપર સવાર થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન રસ્તામાં આવતા ખાડીના ગરનાળા ઉપરથી પાણી વહેતુ હોવાથી તેઓને રસ્તો માલુમ પડ્યો ન હતો. અને સાયકલ સાથે સંજય પવાર ખાડીમાં ખાબકયા હતા. સંજયને તણાતાં જોઈ ત્યાં હાજર અન્ય બે લોકો ખાડીના વહેણમાં કુદી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વહેણમાં એ બન્ને વ્યક્તિઓ પણ તણાયા હતા. રેલવે સ્ટેશન નજીક ઉભેલા અન્ય એક ઇસમે બચાવવા માટે કુદેલા બન્નેને હેમખેમ બહાર કાઢ્યા હતા. જોકે તણાયેલ સંજય પવાર પાણીમાં ખુંપી જતા તેનો બચાવ થયો ન હતો. હાલ પાણીનું વહેણ ઓછું થતા સંજય પવારનો મૃતદેહ મળી આવ્યો હતો. કડોદરા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.