suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Mandavi : આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં સ્વસહાય જૂથની મહિલાઓ સાથે ‘લખપતિ દીદી સન્માન’ કાર્યક્રમ યોજાયો

Mandavi : આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં સ્વસહાય જૂથની મહિલાઓ સાથે ‘લખપતિ દીદી સન્માન’ કાર્યક્રમ યોજાયો

Share:

આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં અને સાંસદ પ્રભુ વસાવાની ઉપસ્થિતમાં માંડવી હાઈસ્કુલના ઓડિટોરીયમ ખાતે સ્વસહાય જૂથની મહિલાઓ સાથે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ‘લખપતિ દીદી સન્માન’કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરત જિલ્લાની ૨૮૦ સ્વસહાય જૂથની બહેનોને રૂ.૨.૭૬ કરોડના લાભો વિતરણ તેમજ વાર્ષિક રૂ. એક લાખનું ટર્ન ઓવર કરનાર સુરત જિલ્લાની ૧૦૦૦ સ્વસહાય જૂથની બહેનોનું લખપતિ દીદી તરીકે સન્માન કરી પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે દરેક ક્ષેત્રે મહિલાઓને અગ્રેસર બનવાની યોગ્ય તકો પૂરી પાડી નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું છે. રાજ્યભરની મહિલા-દીકરીઓના પોષણ, શિક્ષણ, વ્યવસાય, સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે નમો શ્રી, નમો સરસ્વતી, નમો લક્ષ્મી, વ્હાલી દીકરી, સુકન્યા સમૃદ્ધિ, મુદ્રા લોન, જીવનવીમા, નમો ડ્રોન દીદી અને લખપતિ દીદી સહિતની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓને અમલી બનાવી છે.મંત્રીએ કહ્યું કે, દેશભરમાં માતા-બહેનોને આર્થિક રીતે પગભર કરવા ૩ કરોડ લખપતિ દીદી બનાવવાનો વડાપ્રધાનનો સંકલ્પ છે, ત્યારે ગુજરાતની સ્વસહાય જૂથોની મહત્તમ મહિલાઓ વાર્ષિક રૂ. એક લાખનું ટર્ન ઓવર કરે અને લખપતિ દીદી બને એ માટે સતત પ્રયત્નશીલ છે.મંત્રીએ દરેક ક્ષેત્રમાં મહિલાઓને મળી રહેલા પ્રોત્સાહન વિષે વિગતો આપતા કહ્યું કે, શિક્ષિત અને સશક્ત મહિલા થકી પરિવાર, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ થાય છે. મહિલાઓને આર્થિક આત્મનિર્ભરતા પ્રદાન કરતી યોજનાઓની જાણકારી આપી મહત્તમ મહિલાઓને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં મંત્રીએ મહિલાઓને એકજૂથ થઈ આગળ વધવાનું સૂચન કર્યું હતું. અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુ વસાવાએ કહ્યું હતું કે, ગ્રામીણ બહેનોનું સામાજિક ઉત્થાન થાય, જીવનધોરણ ઊંચું આવે અને આર્થિક રીતે પગભર બને તે માટે ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોની રચના કરી તેને આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરીને આર્થિક પગભર કરી લખપતિ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. લખપતિ દીદી પરિવારની પ્રગતિનો આધાર બનશે.આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિએ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ તેમજ સ્ત્રી સશક્તિકરણના ધ્યેય, મિશન મંગલમ અંતર્ગત મહિલાઓને અપાતી તાલીમ, સહાય અને બેન્ક ફંડ અંગે સમજ આપી સુરત જિલ્લામાં મિશન મંગલમ યોજના સાથે જોડાયેલા જૂથો અને તેઓની કામગીરી વિષે ઉપયોગી જાણકારી આપી હતી.

આ વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મહારાષ્ટ્રના જલગાંવ ખાતે આયોજિત લખપતિ દીદી સન્માન કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.સ્વસહાય જૂથોની સફળ મહિલાઓ- લખપતિ દીદીઓએ પોતાની પ્રગતિ અને સંઘર્ષ તેમજ સરકારી સહાય અંગે ઉત્સાહી પ્રતિભાવો વર્ણવ્યા હતા.
આ પ્રસંગે તા. પંચાયત પ્રમુખ દિલિપ ચૌધરી, તા.પં. સભ્ય ગીતા પટેલ, તા.વિકાસ અધિકારી રવિન્દ્ર સોલંકી, વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા, અગ્રણી ડો.મહેન્દ્ર ચૌહાણ, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સુરત જિલ્લામાં ૧૧૨૨૨ સ્વસહાય જૂથોની રચના કરી ૧૧૨૯૩૫ પરિવારોને જોડવામાં આવ્યાં છે. ૪૧૧ ગ્રામસંગઠન અને ૩૮ કલસ્ટર લેવલ ફેડરેશનની રચના કરવામાં આવી છે. ૫૯૯૬ સ્વસહાય જૂથોને કરોડ રીવોલ્વીંગ ફંડ પેટે રૂ. ૭.૧૭ કરોડ, ૩૬૦૯ સ્વસહાય જૂથોને કૉમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પેટે રૂ. ૧૯.૫૭ કરોડ અને આ વર્ષે ૧૭૫૧ સ્વસહાય જૂથોને બેંક લોન પેટે રૂ.૨૭ કરોડ આપવામાં આવ્યા છે.

Leave a Comment