મહુવા તાલુકામાં સસ્તા અનાજ કાળાબજાર સામે આદિવાસી સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવી પુરાવો એકત્રિત કરી વિજિલન્સ તપાસની માંગ કરવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ છેલ્લા ૮ મહિનામાં મહુવા મામલતદાર કચેરી દ્વારા સસ્તા અનાજની દુકાનો સામે કોઈ જ નક્કર તપાસ કે કાર્યવાહી નહી કરવામાં આવી હોવાની માહિતી સાપડી છે. ત્યારે મહુવા મામલતદાર કચેરી અને સસ્તા અનાજની દુકાન સંચાલકો વચ્ચે આંખ મીંચામણાંની રમત જ રમાઈ રહી હોવાની પ્રતીતિ થઈ રહી છે.
મહુવા તાલુકાના ગામોમાં ગરીબોના હકકના અનાજનો પૂરતો જથ્થો નહિ આપી ને કાળાબજારીમાં આ જથ્થો સગેવગે થતો હોવાનું જણાવી આદિવાસી સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરવામાં આવી હતી. અને જનતા રેડની ચીમકી સંગઠન દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આદિવાસી સંગઠનના આગેવાનો દ્વારા ગામેગામ જઈ પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કરાયું હતું. તેમજ આ બાબતે વિજિલન્સ તપાસની માંગ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આદિવાસી સંગઠન મેદાનમાં આવતા જ ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.
મહુવા મામલતદાર કચેરી દ્વારા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં છેલ્લા ૮ થી ૧૦ મહિનામાં કોઈ નક્કર તપાસ હાથ ધરી કે ક્ષતિઓ જણાય તો કડક કાર્યવાહી કરવામાં આવી કે કેમ તે બાબતે તપાસ કરતા ચોંકાવનારી માહિતી એ મળી કે મહુવા મામલતદાર કચેરીનું તંત્ર આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં નપાણીયું સાબિત થવા પામ્યું છે. હાલ તો આ બાબતે આદિવાસી સંગઠન જનતા રેડ કરશે કે વિજિલન્સ તપાસ માંગશે તો મહુવા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં ચાલતા નિતનવા ભોપાળાં બહાર આવશે અને તપાસનો રેલો જવાબદાર સરકારી બાબુ ના ખુરશી તટે આવે તો નવાઈ નહી.