બારડોલીની એક પ્રતિષ્ઠિત એન.જી.ઓ સંસ્થામાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી અને માનદ સેવા આપતી યુવતી સામે બિભસ્ત ચેનચાળા કરી વાસના લોલુપતા દેખાડતા એક અનાજ કરીયાણાના દુકાનદાર વિરુદ્ધ 181 અભયમ ટીમે કડક વલણ અપનાવી તેની શાન ઠેકાણે લાવી હતી.વર્ષોથી બારડોલીમાં ભુખ્યાને ભોજન સહિત તબીબી ક્ષેત્રે માનવ સહાય કરતી આવેલી એક સંસ્થામાં બારડોલીની એક યુવતી સેવા આપી રહી હતી. સંસ્થા દ્વારા ખરીદવામાં આવતા અનાજ કરીયાણાના બિલોની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરતી યુવતીને અનાજ સપ્લાય કરતા દુકાનદાર સાથે ઓળખાણ હતી. પોતાની બહેન માટે નોકરી શોધવાનું જણાવતા કરીયાણા સ્ટોરના માલિકે બાયોડેટા મંગાવ્યો હતો. યુવતીએ પોતાની બહેનનો બાયોડેટા વેપારીને વોટ્સએપ ઉપર મોકલ્યો હતો. વેપારીએ નોકરી માટે જવાબ આવે છે. મુજબ જણાવી યુવતીને તેની દુકાનમાં બોલાવી હતી. નિર્દોષ ભાવે દુકાનમાં ગયેલી યુવતી સમક્ષ દુકાનદારે ગુપ્તાંગ દર્શન કરાવી બિભસ્ત ચેનચાળા કરતા યુવતી ગભરાઈને ભાગી છૂટી હતી. યુવતી પોતાની સંસ્થાની ઓફિસમાં દરવાજો લોક કરી ગભરાઈને બેઠી હતી. તેવા સમયે કરીયાણાના વેપારીએ આવીને દરવાજો ઠોકી ખોલવા જણાવ્યું હતું. યુવતીએ પોતાની સંસ્થાના સભ્યને જાણ કરતા સંસ્થાના સભ્યો ઓફિસે આવી પહોંચ્યા હતા. જ્યાં પૂછપરછ કરતા યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું મન બનાવતા છેવટે બારડોલી 181 અભયમ મહિલા સહાયતા ટીમને જાણ કરાઈ હતી. ભારે પૂછપરછના અંતે બહાનાબાજી કરતા કરીયાણાના વેપારીની પોલ ખુલી જવા પામતા 181 અભયમ ટીમના કાઉન્સિલરોએ વિવિધ પુરાવાઓ આધારે વેપારીને કડક વોર્નિંગ આપી હતી. વેપારીએ માફી માંગવા છતાં યુવતીની ઈચ્છા સાથે મામલો બારડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યા મહિલાની લેખિત ફરિયાદ આધારે પોલીસે બારડોલીની એક વૈભવશાળી સોસાયટીના પ્રમુખ અને અનાજ કરીયાણાનો વેપારી જણાતા લંપટ પુરુષની પૂછપરછ માટે અટકાયત કરી હતી. આ દરમિયાન સામાજિક સંજોગોને ધ્યાનમાં રાખી યુવતી વધુ કાર્યવાહી કરવાની ના પાડતા બારડોલી પોલીસે અટકાયતમાં લેવાયેલા કરીયાણાના વેપારી વિરુદ્ધ કલમ 151 મુજબ ફરિયાદ નોંધી હતી.