બારડોલી તાલુકાના પણદા ગામેથી કડોદ તરફ જતી વશિષ્ઠ જેનેસીસ સ્કૂલની બસ અડફેટે ચઢતા માંડવીના ખોડંબા ગામના બાઇક સવારોને ગંભીર અકસ્માત નડતા બાઇક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઇક સવાર સાથીને ગંભીર ઇજાઓ સાથે બારડોલીથી સુરત મુકામે સારવાર માટે લઈ જવાયો હોવાનું જાણવા મળે છે.માંડવીના ખોડંબા ગામે રહેતા સાહિલ દેવસિંગ કોટવાડીયા ઉ.વ.18 તથા તેનો મિત્ર પિયુષ ચૌધરી ઉ.વ.આ.20 સાહિલની મોટર સાયકલ નં. GJ-19-BG-4424 ઉપર સવાર થઈ બારડોલી મુકામે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી સાહિલની બહેનને મળવા આવી રહ્યા હતા. પોતાના માર્ગમાં આવતા બારડોલી તાલુકાના પણદા ગામની સીમમાં આવેલ સ્મશાન ભૂમિ નજીક સામે તરફથી પુર ઝડપે આવતી વશિષ્ઠ જેનેસીસ સ્કૂલની વિદ્યાર્થી ભરેલી બસ નં. GJ-05-BT-4520 ના ચાલકે મોટર સાયકલને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટર સાયકલને મોટું નુકસાન પહોંચવા પામ્યું હતું. મોટર સાયકલ ચાલક પિયુષ ચૌધરી તથા સાથી સવાર સાહિલ કોટવાડીયા રસ્તા ઉપર પછડાતા બન્નેને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પિયુષ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો. જ્યારે સાથી સવાર સાહિલને હાથના, પગના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે સુરત મુકામે લઈ જવાયો હોવાનું જાણવા મળે છે.સર્જાયેલા ગંભીર અકસ્માત સ્થળે ભારે લોકટોળા ભેગા થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. તેવા સમયે સ્કૂલ બસમાં બેસેલા વિદ્યાર્થીઓ પૈકી કોઈને પણ કશી ઇજાઓ ન જણાતા રાહત અનુભવાય હતી.