વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના લવાછા ગામે સામાજિક વનીકરણ વિભાગ,સુરત વિસ્તરણ રેન્જ-ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાના ‘૭૫માં વન મહોત્સવ’ની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત મહત્તમ વૃક્ષો વાવી પર્યાવરણ જતનના સંદેશ સાથે લવાછા ગામે રૂ.૩૦ લાખમાં નવનિર્મિત ‘પંચવટી વિકાસ કેન્દ્ર’નું મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. જેમાં કોમ્યુનિટી હોલ, શૃંગાર રૂમ, રસોડું, સ્ટોર રૂમ અને શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. મંત્રીશ્રીએ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે વનમંત્રીશ્રીએ દરિયાકિનારે વસેલા નાનકડા ગામ લવાછામાં સમગ્ર તાલુકાની પ્રથમ પંચવટીના નિર્માણ માટે ગ્રામજનોને શુભેચ્છા પાઠવી હતી, તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલું ‘એક પેડ માં કે નામ’ અભિયાનને સફળ બનાવવા દરેક નાગરિકોનું યોગદાન જરૂરી છે. ગ્રામજનોને જન્મદિવસ કે અન્ય શુભ દિવસે એક છોડ વાવવા તેમજ અન્યોને પણ એમ કરવા પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું. સામાન્ય દીવાસળીની લઈ ઘરના નિર્માણમાં બહોળા પ્રમાણમાં ઉપયોગી થતા લાકડાનું મહત્વ સમજાવી ગામના તળાવો, અમૃત્ત સરોવરની આજુબાજુની કે અન્ય ખાલી જગ્યાઓમાં વૃક્ષો વાવવા સ્થાનિક તંત્રને હિમાયત કરી હતી.
રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારીને ગુજરાતની ધરતીને વધુ હરિયાળી બનાવવાના ઉત્સવ- ‘વન મહોત્સવ’માં સહભાગી થઇ ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષો ઉછેરવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષણ ડૉ.કે.શશી કુમારે વન વિભાગ સાથે સંકલન સાધી સ્થાનિકો દ્વારા કરાયેલા ‘પંચવટી વિકાસ કેન્દ્ર’ના નિર્માણના સહિયારા પ્રયાસની પ્રશંસા કરી હતી. તેમણે ગ્રામજનોને વન વિભાગની દરેક યોજનાઓનો મહત્તમ લાભ લઇ ઘર, શાળા કે અન્ય ખાલી જગ્યાઓમાં વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો.