બારડોલી નગરમાં ગતરાત્રીના સમયે બાઇક પર આવેલા બે ચેન સ્નેચરોએ તરખાટ મચાવતા 3 સ્થળેથી સોનાની ચેનો તોડી હતી. આ દરમિયાન લોકટોળાએ 1 ચેન સ્નેચરને મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપયો હતો. જ્યારે જોડીદાર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
બારડોલીના તેન રોડ ઉપર રહેતી મહિલા મિત્તલબેન નરેશભાઈ શાહ હિરચંદ નગરમાં આવેલા દેરાસનમાંથી પુંજા અર્ચના કરી પોતાની પુત્રી સાથે ઘરે જઈ રહ્યા હતા તેવા સમયે યુનિકોર્ન મોટર સાયકલ નં. GJ-19-BA-3673 ઉપર સવાર બે ચેન સ્નેચરોએ મહિલાના હાથમાં રહેલું પાકીટ ઝૂંટવી ભાગી છૂટ્યા હતા. પાકીટમાં મહિલાનો મોબાઈલ ફોન હતો. બાઇક સવાર સ્નેચરો ત્યારબાદ બારડોલીના સ્વામી નારાયણ મંદિર નજીક આવેલ હેડગેવાર સર્કલ પાસેથી પસાર થતી મહિલા કૌશલિયા અમરજીત સહાની તેના પુત્ર સાથે મોપેડ ઉપર જઇ રહી હતી. તેવા સમયે મહિલાના ગળામાંથી 15 ગ્રામ સોનાની ચેન તોડી સ્નેચરો ભાગી ગયા હતા. ત્યારબાદ સ્નેચરોએ પોતાના મોપેડ ઉપર આટો મારવા નીકળેલા દિલીપ જયંતીલાલ શાહ રહે. સાઈ દર્શન એપાર્ટમેન્ટ, હીરાચંદ નગરને નિશાન બનાવતા ગોવિંદા આશ્રમ મંદિર પાસેના રોડ ઉપરથી તેના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેન તોડી ભાગી છૂટ્યા હતા. બાઇક ઉપર ઝડપભેર ભાગી છૂટેલા સ્નેચરોએ ગાંધોરોડ ઉપરના અકશા નગર નજીકથી પસાર થતા જીગ્નેશ કનૈયાલાલ ટાંકને ઝપેટમાં લેતા તેનો મોબાઈલ ચોર્યો હતો.
આટલેથી ન અટકતા બાઇક સવાર સ્નેચરો અલંકાર ચાર રસ્તાથી સ્ટેશન રોડ ઉપર જણાયા હતા. જ્યાં પંડ્યા ટ્રાવેલ્સ ઓફીસ નજીકના માર્ગ ઉપરથી રાત્રીના સમયે મોપેડ ઉપર આંટો મારવા નીકળેલા કુંજ નિકુંજ વકીલ તથા સની પારેખને નિશાન બનાવતા મોપેડ ઉપર પાછળ બેસેલા કુંજ વકીલના ગળામાંથી 18 થી 20 ગ્રામની સોનાની ચેન તોડી હતી. આ સમયે બન્ને ટુ વ્હીલરો એક બીજા સાથે અથડાતા તમામ ચારેય જણા રોડ ઉપર પટકાયા હતા. પોતાની બાઇક છોડી દોડીને ભાગતા બન્ને સ્નેચરોનો ચોર ચોરની બુમો સાથે પીછો કરતા બાઇક ચાલક સ્નેચર બારડોલીના રાજમાર્ગ ઉપર આવેલ હીરાચંદ નગરની ગલીકુચીનો લાભ લઇ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે તેનો જોડીદાર સેન્સિરિટી સ્કૂલની સાંકડી ગલીમાં ભાગવા જતા લોકટોળાના હાથે પકડાયો હતો. ટોળા દ્વારા પકડાયેલા ચેન સ્નેચરને ઢીક મુક્કીનો માર મારવા સાથે બારડોલી પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં તેની અંગઝડતી દરમિયાન 2 સોનાની ચેન, 1 સોનાની ચેનનો ટુકડો તથા 2 મોબાઈલ ફોન મળી કુલ કિંમત 75,000/- તથા 3 મોબાઈલ કિંમત રૂ. 15,500/- ની મત્તા મળી આવી હતી. પકડાયેલા ઇસમની પૂછપરછ કરતા તેનું નામ સોપાનદેવ સખારામ પાટીલ રહે. આરાધના ડ્રિમ, જોળવા ગ્રામ પંચાયત પાસે, પલસાણા, મૂળ રહે. જળગાઉ તથા ભાગી છુટેલ તેના સાગરીતનું નામ કરણ ઉર્ફે બગ્ગા ( જેનું આખું નામ સરનામું મળી શક્યું નથી ) રહે. લીંબાયત હોવાનું જાણવા મળ્યું હતું. બારડોલી પોલીસે તપાસ કરતા સ્નેચરો દ્વારા ઉપયોગમાં લેવાયેલી યુનિકોર્ન મોટર સાયકલ પણ ચોરીની હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે મોટર સાયકલ સહિત તમામ મુદ્દામાલ મળી કુલ રૂ. 1,20,500/- નો જથ્થો ઝપ્ત કરી સોપાનદેવ પાટીલ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેના કરણ ઉર્ફે બગ્ગાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
રીઢા ચેન સ્નેચર વિરુદ્ધ ભૂતકાળમાં 30 જેટલા ગુનાઓ દાખલ : બારડોલીની સેન્સિરિતે સ્કૂલની ગલીમાં ઝડપાયેલા સ્નેચરે સોનાની ચેનોનો થોડોક જથ્થો ગલીમાં કશે ફેંકી દીધો હોવાની ચર્ચાઓ સાથે બારડોલી પોલીસે અંધારામાં શોધખોળ કરી હતી. પરંતુ કશું મળી શક્યું ન હતું.આ દરમિયાન પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા સ્નેચરે તેની વિરુદ્ધ 30 થી વધુ ગુના દાખલ થયા હોવાનું જણાવ્યું હતું.