સલામત સવારી એસ.ટી અમારી સ્લોગનના સરેઆમ ધજાગરા ઉડતા હોય તેમ બારડોલીના લીનીયર બસ સ્ટેશન ખાતે વધુ એક બસ ચાલક નશાની હાલતમાં લોક ટોળા દ્વારા ઝડપાયો હતો.
માંડવી બસ ડેપોની માંડવીથી દાહોદ જતી નાઈટ શિડયુલની એસટી બસ નંબર GJ-18-Z-9648 ગઈકાલે બુધવારે બે કલાક મોડી ઉપડતા રાત્રે 10:00 વાગે માંડવીથી ઉપડી હતી. બારડોલીના લીનીયર બસ સ્ટેન્ડ ઉપર બસ આવતા પ્રવાસીઓ અને લોકોએ બસ ચાલક યશવંતસિંહ નરપતસિંહ સોલંકી રહે. આહી ગામ, શહેરા, પંચમહાલને બસમાંથી નીચે ઉતરવાની ફરજ પાડી હતી. મુસાફરોએ ચાલક નશાયુક્ત હાલતમાં હોવાની ફરિયાદ કરતા કંડકટર નિલેશ પટેલે તેના ઉપરીને બોલાવી હકીકત જણાવી હતી. બસ ચાલકની આંખો લાલચોળ હોવા સાથે તેનું સંમતુલન પણ ડગુમગુ જણાયું હતું. તેની સાથે વાતચીત દરમિયાન તેને જીભ તોતડાતી હતી. એસ.ટી વિભાગના ઉપલા અધિકારીને જાણ કરતા તેમની સૂચના સાથે નશાયુક્ત હાલતમાં ચાલકને પોલીસને હવાલે કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજો કરાઇ હતી.
બારડોલી લીનીયર ડેપોની બસના ચાલક કંડકટર નશાની હાલતમાં અગાઉ પકડાયા હતા
થોડા સમય પહેલા આ જ પ્રકારે બારડોલીના લીનીયર ડેપો ઉપર બસ ચાલક અને કંડકટર બંને જણા નશાયુક્ત હાલતમાં ઝડપાયા હતા. ત્યારે બસના મુસાફરોના જીવન સાથે ચેડા કરતા એસ.ટી વીભાગના કર્મચારીઓનો નિયમિત બ્રેથ ટેસ્ટ કરવામાં આવે તેવી માંગણી અને લાગણી લોકોમાં ચર્ચાઈ રહી છે.