સુરત જિલ્લાના બારડોલી તેમજ પલસાણા તાલુકાના ગામોમાં તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ગ્રામ્ય વિસ્તારને તસ્કરો ધમરોળી રહ્યા છે. એક જ રાત્રે બાઈક સવાર ત્રણ જેટલા તસ્કરો એ બારડોલી તાલુકાના ભુવાસણ તેમજ પલસાણા તાલુકાના પુણી સહિતના ગામોમાં બંધ ઘરોમાં ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.
તલવાર જેવુ ઘાતક હથિયાર તસ્કરના હાથમાં
સુરત જિલ્લામાં હાલ સતત વરસાદી માહોલ ચાલી રહ્યો છે. દિવસ હોય કે રાત્રી દરમિયાન પણ સતત વરસાદ રહેતા આ વરસાદનો લાભ હવે તસ્કરો લઈ રહ્યા છે. સુરત જિલ્લાને તસ્કરોએ જાણે મોસાળ બનાવી દીધું હોય તેમ દિન પ્રતિદિન અનેક તાલુકાના ગામોમાં બંધ ઘરોમાં તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યા છે. ગત રાત્રે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભુવાસણ ગામે બાઈક પર ત્રણ જેટલા તસ્કરો આવ્યા હતા. ભુવાસણ ગામે પટેલ ફળિયામાં સુરેશભાઈ નરોત્તમ ભાઈ પટેલ ના બંધ ઘરને તસ્કરો નિશાન બનાવ્યું હતું. અને ઘરના તાળા ટોળી હાથ ફેરો કરી ગયા હતા. એક મહિના પહેલા જ પરિવારજનો વિદેશ ગયા હતા. ભુવાસણ ગામે આવેલ ત્રણ જેટલા તસ્કરો સી.સી.ટી.વી માં પણ કેદ થયા હતા.અને જેઓના હાથમાં તલવાર જેવા ઘાતક હથિયાર પણ હોવાનું જણાયું હતું.
પલસાણાના પૂણીમાં પણ તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું
આટલે થી સંતોષ નહીં માનતા તસ્કરોએ નજીકમાં જ આવેલ પલસાણા તાલુકાના પુણી ગામને નિશાન બનાવ્યું હતું. અને જ્યાં પુણી ગામે વચલા ફળિયામાં પહેલા ભરતભાઈ દેસાઈના ઘરના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નિષ્ફળ જતા નજીકમાં જ આવેલ અન્ય એક ઘર કિર્તીભાઈ ભીખુભાઈ દેસાઈ એમના બંધ ઘરને તાળા તોડીને તસ્કરોએ સમાન વેરવિખેર કર્યો હતો. જે પરિવાર પણ વિદેશ હોય જેથી ચોરીની માલ મત્તા અંગે ચોક્કસ વિગતો બહાર આવી શકી નથી.
એક જ ગેંગનું કારસ્તાન
બારડોલી તાલુકાના ભુવાસણ અને પલસાણા તાલુકાના પૂણી ગામે બે બંધ ઘરોના તાળા તૂટ્યા હતા. જે બન્ને ઘટનામાં યુનિકોર્ન બાઇક પર 3 તસ્કરો સવાર થઈને આવ્યા હોવાનું સી.સી.ટી.વી કેમેરામાં કેદ થવા પામ્યું છે. જોકે તાળા તૂટવાની બન્ને ઘટનામાં હજુ સુધી પોલીસ ચોપડે કોઈ નોંધ થવા પામી નથી.