સુરત જિલ્લાના માંડવી તાલુકાના એક ગામમાં રહેતી 12 વર્ષીય સગીરાને રાત્રિના સમયે ઉચકી જઇ ખેતરમાં જાન લેવા ધમકીઓ આપી બળાત્કાર ગુજારનાર આરોપીને બારડોલી સેશન્સ કોર્ટ દ્વારા 20 વર્ષની આકરી સજા ફટકારાઈ હતી.
2022ના વર્ષમાં 23 જાન્યુઆરીની રાત્રિના સમયે સુતેલી બાર વર્ષ ત્રણ માસની ઉંમર ધરાવતી માસુમ સગીરાને તેના માતા-પિતાના કાયદેસરના વાલીપણ માંથી મોઢું દબાવી ઉચકી જઈને એક ગામે આવેલા ખેતરમાં લઈ જઈ સગીરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રાત્રિના બે થી ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન જબરદસ્તી પૂર્વક શરીર સંબંધ બાંધી માંડવી તાલુકાના વિસડાલીયા ગામે કોલોની ફળિયામાં રહેતા આશરે 22 થી 25 વર્ષની પુખ્ત વયના મહેન્દ્ર ઉર્ફે પકો માનસિંગ કોટવાળિયાએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાની ફરિયાદ બાદ બારડોલી કોર્ટમાં કેસ દાખલ થયો હતો. બારડોલી કોર્ટના આસી. પબ્લિક પ્રોસિક્યૂટર નિલેશ પટેલ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પુરાવાઓ અને ધારદાર દલીલો ને ધ્યાનમાં લેતા કોર્ટ દ્વારા ગુનો પુરવાર કરતા બારડોલી સેશન્સ કોર્ટ ના છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ રોબિન પી. મોગરા દ્વારા આરોપી વિરુદ્ધ દાખલ થયેલા ઇપીકો 376(2) ના ગુનામાં 20 વર્ષની સખત કેદ અને 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ, ઇપીકો 506(2) માં પાંચ વર્ષની કેદ, 5 હજાર દંડ અને દંડ ના ભરે તો વધુ 6માસની કેદ, પૉક્સો એક્ટની કલમ ચારમાં દસ વર્ષ ની કેદ,10 હજાર દંડ તથા પૉકસો એક્ટ ની કલમ 6 માં 20 વર્ષની કેદ,10 હજાર દંડ તથા દંડ ન ભરતા વધુ એક વર્ષની કેદ મુજબની કડક સજા ફરમાવી હતી. સગીર બાળાઓ ઉપર બળાત્કાર ગુજારવાની ઘટનામાં કડક સજા ફટકારતા કાનૂનનું વલણ ઉદાહરણ રૂપ જણાયુ હતું.