બારડોલી નવસારી રોડ ઉપર આવેલ નોંગામાં પારડી ગામની સીમમાં નવા એક્સપ્રેસ હાઈવે નું બાંઘકામ ચાલી રહ્યું છે. બારડોલી રૂરલ પોલીસ ને નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ઉપરોક્ત સ્થળેથી દારૂ ભરેલી એક કાર સિમેન્ટના પિલર સાથે અથડાઈને પલટી મારેલી હાલત માં મળી હતી. કારની બાજુમાંથી પોલીસ ને એક અજાણ્યા પુરુષની લાશ પણ મળી આવી હતી.
જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બારડોલી રૂરલ પોલીસને કરાયેલી જાણ આધારે પોલીસ ટીમે ગત રાત્રે નોગામાં પારડી ગામ નજીક નવા એક્સપ્રેસ હાઇવે ની બાંધકામની સાઈટ પાસે તપાસ કરતા પોલીસને એક ફોર્ડ ઇકો સ્પોર્ટ્સ કાર નંબર DD-03-H-0117 સિમેન્ટના થાંભલામાં અથડાઈને નુકસાન સાથે ઘસડાઈને ઊભેલી જોવા મળી હતી. ગાડીના કાચ તૂટેલા હતા. પોલીસે અંદર જોતા તેમાં વેરવીખેર હાલતમાં દારૂ અને બિયરની બોટલોનો જથ્થો જોવા મળ્યો હતો. અકસ્માતમાં અનેક બોટલો તૂટેલી જોવા મળી હતી. ચાલક નાસી છૂટ્યો હોવાની ધારણા સાથે પોલીસે વધુ તપાસ કરતા આશરે 50 મીટર સુધી ઘસડવાના નિશાન જોવા મળતા રાત્રિના અંધારામાં પોલીસને ગાડીની નજીક આવેલા ખેતરમાં એક અજાણ્યો ઈસમ બેભાન હાલત માં પડ્યો હોવાનું જોવા મળ્યુ હતુ.108 એમ્બ્યુલન્સ બોલાવતા એમ્બ્યુલન્સના તબીબે ઇસમને તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે 361 બોટલ દારૂનો જથ્થો અને વાહન મળી કુલ રૂપિયા ૩.૯૮ લાખનો મુદ્દા માલ જપ્ત કરી ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. બીજી તરફ મૃત હાલતમાં મળી આવેલ અજાણ્યો વ્યક્તિ અકસ્માત ગ્રસ્ત કારમાં બેઠેલો હોવાની શક્યતા સાથે બે અલગ અલગ ફરિયાદો નોંધી કાનૂની કાર્યવાહી કરી હતી.