બારડોલીમાં શાસ્ત્રી રોડ પાછળ આવેલ એમ.એન પાર્ક સોસાયટીમાં બંધ મકાનમાં રાત્રિના સમયે ઘરફોડીયા તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો લાખોની મતાના દાગીના ચોરી ભાગી છુટ્યા હતા.
બારડોલી ના એમ એન પાર્ક સોસાયટીમાં મકાન નંબર એ -૫૭ માં રહેતા અને ખાનગી નોકરી કરતા મેહુલ વિલાસચંદ્ર ચૌધરી અને તેમનો પરિવાર ગત રોજ કલમકુઈ ગામે તેમના સાસરે ગયો હતો. આ દરમિયાન રાત્રિના સમયે તેમના બંધ મકાનના દરવાજાના નકુચા તોડી અજાણ્યા તસ્કરો એ ઘરમાં પ્રવેશી ઘરના કબાટો તોડી લાખોની મતાના સોના ચાંદીના દાગીના ચોરી ભાગી છુંટ્યા હતા.
આજે સવારના પાડોશમાં રહેતા લોકોને તેમના ઘરના તાળા તૂટ્યા હોવાનું જોતા તેમણે મેહુલ ચૌધરીને ફોન કરી જાણ કરી હતી. ઘરે આવી તપાસ કરતા તેમના ઘરના કબાટોનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. કબાટોમાં રોકડ રકમ નહોતી. પરંતુ સોના ચાંદીના લાખો રૂપિયાની મતાના દાગીનાઓ ચોરાયા હતા. પોલીસને જાણ કરાતા પોલીસે ચોરીની ઘટનાની પૂછપરછ કરતા પ્રાથમિક તબક્કે ૪ તોલા ના સોના ચાંદીના દાગીના ચોરાયા હોવાનું જણાવ્યું હતુ. જોકે ચોરી નો આંકડો મોટો હોવાની શક્યતા દર્શાવતા પોલીસે એફએસએલ ને જાણ કરી કબાટના વિવિધ ભાગોમાંથી ફિંગર પ્રિન્ટ લીધા બાદ તપાસમાં નીકળતી ચોરીની વધુ મતા નો આંકડો દાખલ કરવાનું જણાવી ૪ તોલા ના દાગીના કિંમત રું.૧.૭૩ લાખની ઘરફોડ ચોરી ની ફરિયાદ દાખલ કરવાની તજવીજો શરૂ કરી છે.