બારડોલીમાં આવેલી એક હોસ્પિટલમાં ઓડિટ માટે આવેલા સુરત જિલ્લા પંચાયતના મહિલા ડી.પી.ઓના સરકારી વાહન માંથી ચાલકને મૂર્ખ બનાવી નીચે ઉતારી સીટ ઉપર મૂકેલું પાકીટ ચોરી બે ગઠિયાઓ ભાગી છૂટયા હતા.
સુરત જિલ્લાના આરોગ્ય વિભાગમાં ડી.પી.ઓ તરીકે ફરજ બજાવતા મહિલા મિત્તલ નગીન પ્રજાપતિ તથા સહયોગી ડોક્ટર સુમિત બે દિવસ પહેલા તારીખ 19મીએ બારડોલીના તેન રોડ ઉપર સ્નેહ NICU હોસ્પિટલમાં ઓડિટ કામની મુલાકાતે આવ્યા હતા. તેઓનુ સરકારી વાહન હ્યુન્ડાઈ એસેન્ટ કાર નં.જીજે ૦૫ સીયુ ૨૫૯૯ હોસ્પિટલ સામે પાર્ક કરી ચાલક મેહુલ મોહન પટેલ વાહનમાં બેઠો હતો. બપોરના કામગીરી પતાવી મિત્તલ પ્રજાપતિ વાહન પાસે આવ્યા હતા. આ સમયે તેમને કારની સીટ ઉપર મૂકેલું તેમનું પાકીટ ન દેખાતા તેમણે ચાલકને પૂછ્યું હતું. ચાલકે પોતાને ખબર નથી મુજબ જણાવતા તેઓએ આસપાસ તપાસ કરી હતી.
હોસ્પિટલ સામે આવેલ એક સલૂન ના સીસીટીવી ફૂટેજ તપાસતા તેમને વાહન પાસે બે અજાણ્યા ઇસમો જોવા મળ્યા હતા. જેમાંનો એક વાહનની બહાર ચાલક મેહુલ પટેલ સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો. ત્યારે બીજો વાહનનો દરવાજો ખોલતો જોવા મળ્યો હતો. ડ્રાઇવર ને પુછતા તેણે કહ્યું હતું કે એક ઇસમે તેને ગાડી પાસે પૈસા પડ્યા છે. મુજબ જણાવતા પોતે ગાડીમાંથી બહાર ઉતર્યો હતો. જ્યાં તેને વીસ રૂપિયાની નોટ જમીન ઉપર જોવા મળતા તેણે નોટ લીધી હતી. આ દરમિયાન ગાડીની બીજી તરફ દરવાજો ખોલી અન્ય એકે મિત્તલ પ્રજાપતિ નો રું ૧.૪૦ લાખ ની કિંમત નો iphone, ચાર્જર, આઇડેન્ટિટી કાર્ડ, આધાર કાર્ડ, લાઇસન્સ તથા એ.ટી.એમ કાર્ડ મુકેલુ પાકીટ ચોરી બંને ભાગી છુટ્યા હતા. ઘટના બાબતો તેમણે ઈ એફ.આઈ.આર નોંધાવી હતી. જ્યાંથી સુચના મળ્યે બારડોલી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.