બારડોલીમાં આજે વાદળછાયા વાતાવરણમાં ઝરમર વરસતા વરસાદમાં જુદા જુદા બે સ્થળોએ તોતિંગ વૃક્ષો તૂટી પડ્યા હતા.
ગત રોજ સોમવારે મન મૂકીને વરસેલા વરસાદે બારડોલીનું જનજીવન અને વાહનોની અવરજવર ને અસર પહોંચાડ્યા બાદ જોર ધીમું પડતા આજરોજ પણ ધીમી ધારે ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. દરમિયાન આજે વહેલી સવારે બારડોલીના અલંકાર સિનેમા નજીકના માર્ગ ઉપર એક વૃક્ષ તૂટી પડ્યું હતું. વહેલી સવારે લોકો અને વાહનોની અવરજવર ન હોવાના કારણે કોઈપણ ઈજા કે જાનહાની નોંધાયા નહોતા. ત્યારબાદ બપોરના સમયે બારડોલીના ધામડોદ નાકા મુકામે કાલિકા ચોક માં સુલભ શૌચાલય પાસે અતિશય પુરાણું અસંખ્ય વડવાઈઓ ધરાવતું વડ નું ઝાડ મૂળમાંથી ઉખડી ધરાશય થઈ ગયું હતું. બંને સ્થળોએ ઝાડ પડવાના કારણે અવરજવર ને અસર પહોંચી હતી. બારડોલી પોલીસ અને બારડોલી ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ના લાશ્કરો એ આધુનિક સાધનોથી વૃક્ષોને કાપી દૂર કરી વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો.