વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ જનજન સુધી રાષ્ટ્રપ્રેમથી ભાવના જાગૃત થાય તેવા આશયથી “હર ઘર તિરંગા”ના રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે આજરોજ બારડોલી ખાતે ધારાસભ્ય ઈશ્વર પરમાર તથા સ્વરાજ આશ્રમના મંત્રી નિરંજના કલાર્થીની આગેવાનીમાં તિંરગા યાત્રા યોજાઇ હતી.બારડોલી ના સરદાર ચોક મુકામે બીએબીએસ શાળા થી સ્વરાજ આશ્રમ સુધી ના ૨ કી.મી. ના રૂટ ઉપર યોજાયેલી રેલીમાં અગ્રણીઓ, નાગરિકો તથા શૈક્ષણિક સંસ્થાઓના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓથી રાજમાર્ગ ઉભરાયો હતો.આ અવસરે ધારાસભ્યએ સૌને ઘરે તિરંગો લહેરાવવાની અપીલ કરી હતી. આ તિરંગા યાત્રામાં ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે બારડોલી નગર દેશભકિતના રંગે રંગાયું હતું. યાત્રામાં પોલીસ જવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, મહાપુરૂષોના પહેરવેશમાં વિદ્યાર્થીઓએ જોડાઈને નગરવાસીઓને દેશભક્તિનો એક અનોખા અંદાજથી પરિચિત કરાવ્યાં હતાં. ખાખીની શાન અને તિરંગાના સન્માન જાળવવા સાથે આ ભવ્ય તિરંગા યાત્રાએ અનેરુ આકર્ષણ જમાવ્યું હતું.યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ, પ્રાંત અધિકારી જિજ્ઞા પરમાર, મામલતદાર દિનેશભાઈ, ચીફ ઓફિસર મિલન પલસાણા,અગ્રણી ભાવેશ પટેલ,રાકેશ ગાંધી,નગરપાલિકાના સભ્યો,કર્મચારીઓ ,શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાઈને તિરંગાયાત્રાને સફળ બનાવી હતી.રેલી બારડોલી ના સ્વરાજ આશ્રમ ખાતે પહોંચતા ધારાસભ્ય ઇશ્વર પરમાર ના હસ્તે બારડોલી નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી ફરિયાદ હેલ્પલાઇન સુવિધા ખુલ્લી મુકાઇ હતી. નાગરિકો હવે પોતાની ફરિયાદો પાલિકા ના હેલ્પલાઇન નં.94292 90365 ઉપર ફોન કરી ઘેરબેઠાં નોંધાવી શક્શે.