તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા તાપી નદીમા પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈ તાપી નદી પ્રભાવિત થઈ બન્ને કાંઠે વહેતી થઈ છે. બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલ કોઝવે પાણીમાં ગરકાઉ થતા સામેપાર આવેલા 10થી વધુ ગામોનો સીધો સંપર્ક કપાયો હતો.દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ત્યારે મોડી રાતથી ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલી 82,263 ક્યુશેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી પ્રભાવિત થઈ બન્ને કાંઠે વહેતી થઈ છે.બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલ તાપી નદી પરનો લોલેવલ કોઝવે સિઝનમાં પ્રથમ વખત પાણીમાં ગરકાઉ થયો છે. સામેપાર આવેલા ઉન, ગોડાવાડી, ખંજરોલી, પીપરીયા, કોસાડી, પુના સહિતના ગામોનો સીધો સંપર્ક કપાયો હતો. સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગોએ હરિપુરા આવવા માટે 20 કી.મીનો ચકરાવો ખાવાની નોબત આવતા મુશ્કેલીમાં મુકાયા છે.તાપી નદીના પાણીની સપાટીમાં સતત વધારો થતા તકેદારીના ભાગરૂપે કોઝવેના બન્ને તરફ પોલીસ બંદોબસ્ત મૂકી વાહનવ્યવહાર બંધ કરાયો છે. તો બીજી તરફ વહીવટીતંત્ર દ્વારા નદી કિનારા નજીક આવેલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.