બારડોલીના ઉતારા ગામે ખેતરમાં જવાના રસ્તા ઉપર 9 ફૂટનો મહાકાય અજગર જોવા મળતા રેસ્ક્યુ કરી અજગરને ઝડપયો હતો. જ્યારે મહુવાના બારોડીયા ગામે મારણ સાથે મુકવામાં આવેલા પિંજરાના છટકામાં 3 વર્ષીય દીપડી પુરાઈ હતી.
બારડોલી તાલુકાના ઉતારા ગામે ટાંકી ફળિયા નજીક હર્ષદ ત્રિકમભાઈ પટેલનું ખેતર આવેલું છે. ગતરોજ રાત્રીના 11:30 વાગ્યાના સમયે હર્ષદભાઈના ખેતરમાં કામ કરતો મજૂર અશોક ખેતર તરફ આટો મારવા જતા રસ્તા ઉપર જ એક 9 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. રસ્તાની વચ્ચોવચ અજગરને જોઈ ગભરાયેલો અશોક ગામમાં દોડીને આવ્યો હતો. અને ગામના નરેશભાઈને હકીકત જણાવતા તેઓએ બારડોલીના ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી હતો. તેઓની ટીમનો સભ્ય જય રાઠોડ ઉતારા ગામે પહોંચ્યો હતો. અને 20 મિનિટની ભારે જહેમત બાદ કદાવર અજગરને ઝડપી પાડવામાં આવ્યો હતો. અજગર પકડાયાની વાતની જાણ થતાં ગામના ગામના લોકો ઉમટી પડ્યા હતા. ઝડપાયેલા અજગરને સહીસલામત તેન સામાજિક વનીકરણના કર્મચારી મેહુલભાઈને સોંપવામાં આવતા અજગરને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અન્ય એક ઘટના મુજબ મહુવા તાલુકાના બારોડીયા ગામે અનિલ શંકર હળપતિના ઘરની પાછળ અવાર નવાર દીપડો આંટાફેરા મારતો નજરે પડતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. દીપડાની દહેશત વચ્ચે મહુવા સામાજિક વનીકરણની ટીમને જાણ કરવામાં આવતા તેઓ દ્વારા અનિલ હળપતિના ઘરની પાછળ મારણ સાથે પિંજરાનું છટકું મુકવામાં આવ્યું હતું. આજરોજ મળસ્કાના 4 વાગ્યાના સમયે મારણ ખાવાની લ્હાયમાં એક 3 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ હતી. દીપડી પાંજરે પુરાવાની ઘટનાની જાણ મહુવા વનવિભાગને કરવામાં આવતા વનવિભાગ દ્વારા દીપડીનો કબ્જો લઈ સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.