ભારત સરકારના રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ-નવી દિલ્હીના ચેરમેન એમ.વેંકટેશનના અધ્યક્ષસ્થાને એલઆઈસી ઓફિસ મુગલીસરા ખાતે કામદારો, એલ.આઈ.સી.ના અધિકારીઓ સાથે સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે બેઠક યોજાઇ હતી.આ પ્રસંગે ચેરમેને જણાવ્યું હતું કે, કમર્ચારીઓને મળતા અબાધિત અધિકારો-હક્કો તેમને પ્રાપ્ત થાય તે માટે આયોગ સક્રિયતાથી કાર્ય કરે છે. તેમણે આઉટસોર્સના સફાઈ કામદારોને ફરજિયાત આઈ.કાર્ડ આપી તેમાં પી.એફ, ઈ.એસ.આઈ.સી., લાઈફ ઈન્સ્યોરન્સના નંબર લખવાની તાકીદ કરી હતી. તેમણે સફાઈ કર્મચારીઓના નિયમિત હેલ્થ ચેકઅપ અને લાઈફ ઈન્સ્યોરન્સને પ્રાથમિકતા આપવા અધિકારીઓને જણાવ્યું હતું.આ ઉપરાંત ચેરમેન એમ.વેંકટેશને સુરત સર્કિટ હાઉસ ખાતે ધી ન્યુ એશ્યોરન્સ કંપનીના અધિકારીઓ અને સફાઇકર્મીઓ તેમજ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પણ એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ અને સફાઇ કર્મીઓ સાથે બેઠક યોજી સફાઇ કામદારોના હકો-અધિકારો અને તેમને મળવા પાત્ર સુવિધાઓ અંગે વિગતે ચર્ચા કરી સફાઇકર્મીઓને તમામ સુવિધા ઉપલબ્દ કરાવવા માટે તાકીદ કરી હતી.ચેરમેને સફાઈ કામદારોને પ્રત્યક્ષ મળીને નિયમિત પગાર, સેલરી સ્લીપ, પી.એફ.ની વિગતો, આઈ.ડી. કાર્ડ, બુટ, ગણવેશ, નિયમિત હેલ્થ ચેકઅપ થાય, સફાઈ કર્મચારીઓને કોઈ પણ સમસ્યા કે અગવડ હોય તો તેઓએ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના હેલ્પલાઈન નં.૦૧૧-૨૪૬૪૮૯૨૪ પર જાણ કરવા જણાવ્યું હતું.બેઠકમાં સુરત જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીના નાયબ નિયામક મિત્તલબેન, જિલ્લા પંચાયતના સમાજ કલ્યાણ અધિકારી મુકેશ ગામીત, એલ.આઈ.સી., ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ, એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ, સફાઈ કામદારો સહિત સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.