ભારતીય ડેરી વિકાસ બોર્ડ(NDDB),ગુજરાત લાઈવલીહુડ મિશન, કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલય, રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને ગ્રામીણ વિકાસ વિભાગ તેમજ બેંક ઓફ બરોડાની ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન-નવી પારડી, સુરતના સંયુક્ત ઉપક્રમે તા.૨૯ જુલાઈથી તા.૧૩ ઓગસ્ટ સુધી સુરત જિલ્લાની પશુ સખી બહેનોને એ હેલ્પની તાલીમ નવી પારડી સ્થિત બેંક ઓફ બરોડાના ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થા ખાતે આપવામાં આવી હતી. આ તાલીમના અંતિમ દિવસે તાલીમબદ્ધ ૨૫ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
બારડોલી, માંડવી, મહુવા, ઉમરપાડા, ચોર્યાસી, માગરોળ તાલુકાના વિવિધ ગામોની ૨૫ બહેનોને તાલીમબદ્ધ કરાઈ હતી, જેઓ પોતાના વિસ્તારમાં પશુપાલકોની આવકમાં વધારો થાય તેવા પ્રયાસો કરશે તેમજ પશુ રસીકરણ, પશુપોષણ અને સારવારમાં કડીરૂપ બનશે. તાલીમ પૂર્ણ થયા બાદ N.D.D.B. તથા N.A.R. દ્વારા તાલીમાર્થીઓ લેખિત, મૌખિક તેમજ પ્રેક્ટીકલ પરીક્ષા લેવામાં આવી હતી, જે પૈકી પાંચ બેસ્ટ પરફોર્મર તાલીમાર્થીઓને મેમેન્ટો અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
આ પ્રસંગ્રે જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.મયુર ભીમાણીએ જણાવ્યું હતું કે, ‘‘એ હેલ્પ’ની તાલીમનો ઉદ્દેશ દરેક ગ્રામ પંચાયતમાં પશુપાલકોના માર્ગદર્શક, સહાયક રૂપે એક ‘એ હેલ્પ વર્કર’ ઉપલબ્ધ કરાવવાનો છે, આ એ હેલ્પ વર્કર હેલ્થ વિભાગના આશાવર્કરની કાર્યપદ્ધતિ સમાન છે. જે સોંપવામાં આવેલા પોતાના કાર્ય ક્ષેત્રના પશુપાલકોના સંપર્કમાં રહી તેમના પશુધનની વિગતો પોતાની પાસે રાખશે તેમ જ પશુપાલકોને તેમના પશુઓને ઓળખ પદ્ધતિ માટે કાનમાં કડી લગાવી ભારત પશુધન એપમાં રજિસ્ટર કરાવવા માટેની સમજ આપશે. તેમ જ પશુપાલકોને તેમના પશુઓ માટે સમતોલ પશુ આહાર પશુ આહાર ગોપાલા એપ મારફતે કેવી રીતે નિયોજિત કરી શકાય તેનું માર્ગદર્શન પૂરૂ પાડશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, પશુ સખી- એ હેલ્પ વર્કર પશુઓમાં થતાં જુદા જુદા રોગો વિશે પ્રાથમિક જાણકારી આપશે. રસીકરણ કરાવવા પશુપાલકોને પ્રોત્સાહિત કરશે. કૃમિનાશક દવા પીવડાવવા માટેની કામગીરી પશુચિકિત્સકના માર્ગદર્શન હેઠળ કરશે. રોગચાળાના સમયે પશુચિકિત્સક સાથે સંકલનમાં રહી કામગીરી કરશે.
આ પ્રસંગે નાયબ પશુપાલન નિયામકશ્રી ડો.ડી.સી.ચૌધરી, પ્રોગામના નોડલ ઓફિસર અને મદદનીશ પશુપાલન નિયામક(ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના) શ્રી ડો.કે.એસ.મોદી, મદદનીશ પ્રધ્યાપકશ્રી ડો.યોગેશ પઢેરીયા, માસ્ટર ટ્રેનરશ્રી ડો.એચ.એમ.પાટીદાર, વેટરનરી ઓફિસરશ્રી ડો.બીનલ પ્રજાપતિ, RSETI નિદર્શકશ્રી પાશુ અટકલીકર, કોર્ડીનેટરશ્રી રિદ્ધિ ગોહિલ સહિત તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.