પલસાણાના ઇટાળવા ગામની સીમમાં ઊંટગાડીમાં માલ- સામાનની અવર જવર દરમિયાન ઘાયલ થયેલા ઊંટને તરછોડી દેવાયું હતું. જે ઊંટ 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા પ્રાણી બચાવ સંસ્થા દ્વારા 1 કલાકની જહેમત બાદ ઊંટને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.માલ- સામાનની હેરાફેરી માટે પલસાણા તાલુકાના આંતરિયાળ ગામોમાં ઊંટગાડીનો ઉપયોગ કરવામા આવે છે. ત્યારે ઘણી ઘટનામાં ઊંટ ઘાયલ થતા તેના માલિક દ્વારા ઊંટને તરછોડી દેવાય છે. તેવોજ એક તરછોડાયેલો ઊંટ પલસાણા તાલુકાના ઇટાળવા ગામની સીમમાં આવેલ એક 15 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો. કૂવામાંથી બહાર નીકળવા માટે તળવડતા ઊંટને જોઈ ગ્રામજનો દ્વારા બારડોલીના ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ બાદ તેઓની ટીમના સચીન ખાતે રહેતા નિર્મલ શર્મા, જેનિષ, નિખિલ, કાનો, પ્રિન્સ, મયંક અને ભાવેશ ઇટાળવા ખાતે પહોંચી કૂવામાં ઉતરી રેસ્ક્યુ શરૂ કર્યું હતું. કૂવામાં ગંદુ પાણી અને ઊંડો હોવાથી રેસ્ક્યુ ટીમને ઘણી અડચણ આવી હતી. બાદમાં જે.સી.બી મંગાવી 1 કલાકની ભારે જહેમત બાદ ઊંટને કુવામાંથી સહીસલામત બહાર કાઢવામાં આવ્યું હતું. પ્રાણી બચાવ સંસ્થાની આ કામગીરીની ગ્રામજનોએ સરાહના કરી આભાર માન્યો હતો.