આજે પણ ઘણા એવા ઘરો છે. જ્યાં માત્ર દિકરાના જન્મને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. દિકરીનો જન્મ થાય તો પરિવારજનોના મોંઢા પડી જાય છે. ભલે આપણે 21મી સદીમાં જીવતા હોઈએ પરંતુ સ્ત્રી ભ્રૂણ હત્યા અને નવજાત બાળકીને રઝળતી મૂકી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે.
જોકે ઘણા પરિવાર એવા પણ છે જ્યાં દિકરીનો જન્મ થતા જ પરિવારજનો ખુશીથી ઝૂમી ઉઠે છે. ત્યારે વાત કરીએ આવા જ એકપરિવારની તો બારડોલીમાં કુરેશી પરિવારમાં ગત 5મી ઓગસ્ટ અને સોમવારના રોજ દિકરીનો જન્મ થતા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સુરત જિલ્લામાં આવેલ સરદાર નગરી બારડોલીમાં શિરડીધામ સોસાયટીમાં રહેતા સદ્દામભાઈ કુરેશી અને દીપિકાબેન કુરેશીના ઘરે દિકરીનો જન્મ થયો હતો. દીકરીના જન્મની ભવ્ય અને અનોખી રીતે ઉજવણી કરીને સમાજને એક સારો સંદેશ આપ્યો છે. કુરેશી પરિવારમાં ઘરે જન્મેલી નવજાત દીકરીને ફુગ્ગાઓથી સજાવેલી કારમાં સરદાર હોસ્પિટલથી ઘર સુધી લવાઈ હતી. હોસ્પિટલથી લઇને બારડોલી શહેરમાં ફેરવવામાં આવી હતી.
સરદાર નગરી બારડોલીમાં જોવા મળેલી ફુગ્ગાઓથી સજાવેલી કાર દિકરીના જન્મના વધામણા માટે સજાવવામાં આવી હતી.સાથે આ કારના પાછળ અન્ય કારોનો કાફલો પણ જોવા મળ્યો હતો.
નવજાત શિશુના પિતા સદ્દામભાઈએ જણાવ્યું હતું કે, “પરિવારે દિકરીના જન્મની ખુશી ઉજવવા તેમજ ‘બેટી બચાવો બેટી પઢાવો’નો સંદેશ ફેલાવવા માટે બનતા પ્રયાસો અને એક ખાસ મેસેજ આપવા માટે ફુગ્ગાઓથી સજાવેલી કાર બારડોલી શહેરના માર્ગો પર દોડાવવામાં આવી હતી.