બારડોલીમાં જાહેર માર્ગો ઉપર વરસાદના કારણે પડેલા મસ્ત મોટા ખાડાઓ પુરવા અન્ય કોઈ વિકલ્પ ન મળતા બારડોલી નગરપાલિકા દ્વારા ડામર રોડ ઉપર પેવર બ્લોક બેસાડી માર્ગ સગવડયુક્ત બનાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.બારડોલીના રેલવે સ્ટેશન થી અલંકાર ટોકીઝ જતા રસ્તા ઉપર આવેલ બાફના સ્ટોર અને શિવાજી ચોક નજીક આવેલ બારડોલી નગર ભાજપ કાર્યાલય પાસે જાહેર માર્ગની વચ્ચોવચ વરસાદના કારણે મોટા ખાડા પડી ગયા હતા. વાહનો તથા નાગરિકોની અવરજવર માટે સમસ્યા રૂપ જણાયેલા ખાડાઓ પુરવા નખાતું મટિરિયલ પણ ધોવાઈ જતું હતું.હાલ ચોમાસાની સિઝનમાં ડામર પ્લાન્ટ પણ બંધ રહેતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. બારડોલી નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ઉપાય સ્વરૂપે છેવટે હંગામી ધોરણે ખાડાઓ ઉપર પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરાઈ છે. રસ્તાની વચ્ચોવચ પેવર બ્લોક બેસાડવાની કામગીરીએ કુતુહુલ સર્જ્યું હતું. નગરપાલિકાના બાંધકામ વિભાગનો સંપર્ક કરતા આ વ્યવસ્થા કામચલાવ જણાવાઈ હતી. ચોમાસુ પૂર્ણ થતા ડામર પ્લાન્ટો ચાલુ થશે ત્યારે આ પેવર બ્લોકો કાઢી નવેસરથી ડામર રોડનું કામકાજ કરાશે મુજબ જણાવ્યું હતું. તો બીજી તરફ વાહન વ્યવહાર થી ધમધમતા માર્ગો ઉપર પેવર બ્લોકો નખાતા વરસાદી માહોલ વચ્ચે વાહનો સ્લીપ થવા તેમજ અકસ્માત થવાની ઘટનાઓ પણ નકારી શકાય તેમ નથી.