ઝેરમુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રાકૃતિક ખેતીના અભિયાનને આગળ વધારવા માટે સાસંદશ્રી પ્રભુભાઇ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં સખીમંડળની બહેનો માટે માંડવી તાલુકા શિક્ષક ભવન ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઇ હતી. જેમાં માંડવી તાલુકાના સખીમંડળોની કુલ ૬૦ બહેનોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે સાસંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્ન અને લખપતિ દીદી યોજના અને તેના હેતુ વિષે પ્રકાશ પાડી મહિલાલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લઇ આત્મનિર્ભર બનવા પ્રોત્સાહન આપ્યું હતું. ઉપરાંત પ્રાકૃતિક કૃષિના માધ્યમથી થતાં પાકો, શાકભાજી, કિચન ગાર્ડન અને તેના લાભ વિશે જણાવી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું.
શિબિરમાં તજજ્ઞ અમિત પટેલ, વિકાસ ગામીત, નીલ પટેલ, ચેતન પટેલ, વાલજી ચૌધરીએ પ્રાકૃતિક ખેતી માટેની મહત્વની જાણકારી આપી હતી.
આ પ્રસંગે દ.ગુજરાત ઝોન સંયોજક કમેલશ પટેલ, સુરત સંયોજક કિશોરચંદ્ર પટેલ, NRLM યોજનાના લાઈવલીહુડ મેનેજર જંતાબેન સહિત તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.