બારડોલી નગર વાસીઓને ગણપતિ વિસર્જનમાં મુશ્કેલીઓ પડી શકે છે. નગરપાલિકા દ્વારા મીંઢોળા નદીના કિનારે ઓવરો બનાવવામાં આવ્યો હતો. જે સ્થળે ઓવારો બનાવવામાં આવ્યો હતો એ જગ્યા પ્રાઇવેટ માલિકીની જગ્યા હોવાનું બહાર આવ્યું હતું. નામદાર કોર્ટ દ્વારા માલિકના પક્ષે નિર્ણય આપતા આજે ઓવરાનો કેટલોક હિસ્સો તોડવામાં આવ્યો હતો.
બારડોલી નગરપાલિકા વિસ્તારમાં ગણેશઉત્સવ દરમ્યાન હજારોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. અને ગણપતિ વિસર્જનના દિવસે ચાર ફૂટથી નાની ગણેશ પ્રતિમાઓનું મીંઢોળા નદીમાં રામજી મંદિર નજીક વિસર્જન કરવામાં આવે છે. વર્ષ 1999 માં નગર પાલિકા દ્વારા વિસર્જન માટે અહીં પગથિયાં બનાવી કરોડોના ખર્ચે સુંદર મજાનો વિસર્જન ઓવારો બનાવવામાં આવ્યો હતો. અને વર્ષ 2007 માં આ જગ્યા પર સિમેન્ટ કોન્ક્રીટ કરી ઓવરા ને મોટો કરવામાં આવ્યો હતો. જોકે ઓવરો મોટો કરવામાં કેટલીક જગ્યા ખાનગી માલિકની જગ્યા ઉપર નગર પાલિકા દ્વારા દબાણ કરી લઈ લેવામાં આવી હતી.
જે જમીન બળવંતસિંહ પરમારન નામે હોય અને તેઓ દ્વારા પોતાની જગ્યા પરત લેવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે મામલે કોર્ટમાં કેસ ચાલ્યા બાદ નામદાર કોર્ટ દ્વારા દિવસ 7 માં મૂળ માલિકને જમીન પરત કરવાનો હુકમ કરતા આજરોજ ઓવરો તોડવામાં આવ્યો હતો. અને જમીન મૂળ માલિકને સુપ્રત કરવામાં આવી હતી. હાલ થોડા દિવસો બાદ ગણેશોત્સવ છે. અને હજારોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન પણ નગર પાલિકા વિસ્તારમાં કરવામાં આવનાર છે. વહીવટી તંત્ર દ્વારા થોડા દિવસ પહેલાજ ગણેશ મંડળના આયોજકો સાથે મિટિંગ કરવામાં આવી હતી. અને મોટે ઉપાડે 3 ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓ નદીમાં વિસર્જિત કરવા દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ગણેશોત્સવ માથે છે અને ગણેશ વિસર્જનનો ઓવારો તોડવામાં આવતા ગણેશ આયોજકો ભારે દુવિધામાં મુકાયા છે.
તંત્રની જાહેરાત બાદ ગણેશજીમાં આસ્થા રાખતા અનેક મંડળો દ્વારા 3 ફૂટ સુધીની પ્રતિમાઓનું સ્થાપન કરવાનું નક્કી કરાયું છે. જેથી વિધિવિધાન સાથે શ્રીજીનું વિસર્જન નદીના વહેતા પાણીમાં કરી શકાય જોકે ઓવારો તોડી પાડવામાં આવતા શ્રીજીનું વિસર્જન કયા અને કઈ રીતે કરવું તે એક પ્રશ્ન તંત્ર અને ગણેશ મંડળના આયોજકો માટે ઉભો થવા પામ્યો છે.